બેટા,
તું પરીક્ષા આપે છે ત્યારે, મારે તને મારા હૈયાની વાત કરવી છે.
આખું વરસ તેં જે સાંભળી, એ તો હતી મારા મનની વાત !
આખું વરસ તેં દોડાદોડ કરી છે,
શાળા.. ટ્યુશન.. ઘર.. ને સતત એક ધાર્યું ભણવાનું,
ઘરમાં ને બ્હાર બધે એક જ વાત, ભણવાની.
જમવાની ય ફૂરસદ નહીં, ત્યાં દાળમાં મીઠુ વધારે છે, કે શાકમાં ઓછું એની જાણ ક્યાં ? તને ભાવતું બનાવવાની વાત કરીએ, પણ તું ચોપડીમાં મોં રાખી જવાબ આપે..... હં.. હા..!!
અમારું બધું રુટિન તારી આસપાસ, પણ તું કેન્દ્રમાં ગેરહાજર !
બેટા, તું ને અમે બધાં જ, સતત વિચારતાં રહ્યાં છીએ,
પરીક્ષા ને પરિણામ વિષે.
ભણતર કરતાં ય વધુ તો ભવિષ્ય વિષે,
તારા અને અમારાં પણ !
પણ, આજે મારે તને કહેવું છે કે,
એનાં કરતાં ય વધુ મહત્વ છે તારું...તારા ચહેરા પરનાં સ્મિતનું.
વ્હાલથી તારું એ વળગી પડવું, અરીસામાં જોઇને મલકાવું, મોબાઇલ ફોનમાં છાનું છાનું વાતો કરવું, ચેટીંગ કરવું, ઘરની બ્હાર મિત્રો સાથે ટોળે મળી મસ્તી કરવું...
તારી ચિંતા ય થાય, ને મોટા થઇ રહ્યાનો હરખ પણ.
ત્યાં વળી કોઇ યાદ કરાવે પરીક્ષા, પરિણામ, એડમીશન, સ્પર્ધા, ભવિષ્યની,
ને હૈયાના હરખ પર વરખ લાગી જાય મનની ગણત્રીઓનો.
પણ આજે તને કહું છું, એ જ,
કે જે સતત કહેતું રહ્યું છે મારું હૈયું કે,
વરખ ખોટો ને હરખ જ સાચો, બેટા!
પરીક્ષા ને પરિણામ બંને મહત્વનાં ખરાં, પણ 'તારા' જેટલાં નહીં.
તેં તારાથી શક્ય છે એ કર્યું. એ બાબતે તું પ્રામાણિક હોય કે, ન ય હોય,
તારી પરીક્ષા એ આપણા સંબંધની પરીક્ષા નથી.
પરીક્ષાનું પરિણામ આપણા સંબંધને સ્પર્શી ન જ શકે.
તારા સારા ભવિષ્યની અમારી ઝંખના પાછળ અમારા સલામત ભવિષ્યની કામના ભલે હોય, પણ એ આપણે સાથે મળીને સિધ્ધ કરીશું.
સફળતા સિધ્ધિ છે, પણ નિષ્ફળતા નિર્બળતા નથી જ!
બેટા, તારી સફળતામાં તારી સાથે છું તો
તારી નિષ્ફળતામાં તારી પાછળ જ છું!
સફળતામાં અમારી તાળી હોય તો નિષ્ફળતામાં ટેકો હોય જ.
કોઇ પરીક્ષા કે પરિણામ આપણા સંબંધને નિષ્ફળ ન બનાવી શકે, બેટા. આજે ય નહીં , કાલે ય નહીં, ને ક્યારે ય નહીં!
સફળતાનો સ્વાદ તું જરુર માણે, પણ યાદ રાખજે કે નિષ્ફળતામાં તારે મને સાદ નહીં દેવો પડે, હું તારી પડખે જ હોઇશ.
બેટા,
આપણાં સંગાથનાં સોળ સત્તર વરસને
આ પરીક્ષાના ત્રણ કલાક પાસ-નપાસ ન કરી શકે!
તને થશે કે, આ બધું મેં પહેલાં કેમ ન કહ્યું?
બેટા, યુધ્ધની તૈયારી માટે કઠોર પ્રશિક્ષણ હોય
અને યુધ્ધ માટે જતા સૈનિકનું ઉત્સાહ વર્ધન હોય...
પણ તને પરીક્ષાખંડમાં જતાં જોઇને કઠણ રાખેલા મનને ચૂપ કરીને હૈયું બોલી ઉઠ્યું...
બેટા, પરીક્ષા ભલે તું એકલો આપ,
પરિણામમાં આપણે સાથે છીએ.
યાદ રાખજે બેટા,
જગત પરીક્ષા તો લેતું જ રહેશે,
પણ એ આપણા પ્રયત્નને સફળ કે નિષ્ફળ કરી શકશે,
આપણા સંબંધને નહીં!
સંતાન અને માતાપિતાના સંબંધને સ્વયં પરાત્માએ pass કર્યો હોય છે,
એને કોઇ શું નપાસ કરી શકવાનું !
પરીક્ષા આપવા જતી વખતે પેન, પરીક્ષા પ્રવેશની ટીકીટ યાદ કરાવવાની સાથે આ કહેવાનું હતું, એ કહી દીધું...
લખીને સાથે આપું તો કોઇ ઉતાવળિયો એને કાપલી માને એટલે....
No comments:
Post a Comment
thanks for ur valuable comment