Friday, December 31, 2010

તારી ને મારી વાત...!!!!




શબ્દોમાં ક્યાં સમાય છે તારી ને મારી વાત ?
અર્થોમાં ક્યાં ચણાય છે તારી ને મારી વાત
છલકાતી ચાંદનીમાં ઉતારી બધાં વસન,
ચંચળ બનીને ન્હાય છે તારી ને મારી વાત.
અવકાશમાં નિ:શ્વાસ બનીને ઘૂમી ઘૂમી-
એકાંતમાં પછડાય છે તારી ને મારી વાત.
આવી અતીતની આંગળી પકડીને આંખમાં
આંસુ મહીં ભીંજાય છે તારી ને મારી વાત.
રણ ખાલી-ખાલી આભ તળે એકલું નથી,
થઇ થઇ તરસ વિંઝાય છે તારી ને મારી વાત.
એની અવર-જવર છતાં ઉંબર નહીં ઘસાય ?
આવે ને પાછી જાય છે તારી ને મારી વાત.
રસ્તાની જેમ કાળ ખૂટે ક્યાં કે બેસીએ !
સપનાંનો ભાર થાય છે તારી ને મારી વાત.

Thursday, December 23, 2010

વિવશતા


શબ્દોને સંબંધોનો આકાર કેમ આપું ?
હું મારી જાતને એવો અધિકાર કેમ આપું ?
તમારી ઝુકેલી પાંપણો મારી જિંદગી છે,
હજુય આશા છે, ઇન્કાર કેમ આપું ?

સહવાસ


એક રાત ઝંખું છું હું પ્રેમ ભરી,
જેની સવાર ન હો કદી,
બસ બીજું કાંઈ જોઈતું નથી,
આટલું આપજે ઓ જિંદગી.

Tuesday, November 30, 2010

એક નવોઢા નો પત્ર સાસરીયા ને નામ ....!


હું જાણું છું કે અહી હું નવી છું અને મારા માટે બધું નવું , અજાણ્યું છે । મને અહીં ડગલે ને પગલે તમારા તરફ થી પ્રોત્સાહન પૂરું પડતા સ્મિત ની જરૂર પડશે । હું કઈ સારું કામ કરું ત્યારે તમારા તરફ થી પ્રેમ ભર્યા અને કઈ ભૂલ થાય તો હિંમત આપતા બે શબ્દ મને નવા વાતાવરણ માં ઝડપ થી અનુકુળ થવા માટે મદદરૂપ બનશે । મને નાની નાની જવાબદારી શરૂઆત માં સોપી ને મારા ઉપર વિશ્વાસ ની ગાંઠ મજબુત બનાવજો. ઘર ના જે કઈ રીતી રીવાજ , નિયમ હોય તે ના તૂટે તેની મને અગાઉ થી જાણ કરી દેશો. હું મારા થી બનતા પુરા પ્રયત્નો થી તેને નિભાવીશ . આ ઘર સમા મંદિર ની અને તેમાં પરોવાયેલા તમારા રૂપી મોતી ની દિનચર્યા સમજતા મને થોડો સમય તો જરૂર લાગશે પરંતુ એ માળા નું હું જલ્દી એક ઝળહળતું મોતી બની જઈશ .મારા માટે અહી આવ્યા પછી પોષક થી લઇ ને વાતચીત ની ઢબ, ખાન પાન , સામાજિક વાતાવરણ વગેરે ગણું બધું અલગ છે. અચાનક મારા માં પરિવર્તન લાવવા નું તો કદાચ અશક્ય હોય , પણ ધીરે ધીરે મારા માં આપમેળે પરિવર્તન આવી જશે .


હું જાણું છું કે પુત્રવધુ ઘર માં આવે એટલાય દીકરી માતા પ્રત્યે વધુ પડતી સંવેદનશીલ થઇ જાય છે , દીકરી સાથે તમારો વિશ્વાસ અને સંબંધ જુનો છે અને માતા ને દીકરી પ્રત્યે વધારે લાગણી હોય એ તો કુદરતી છે પરંતુ હું પણ આ સંભંધ માં શામેલ થયા ઈચ્છું છું કેમ કે હવે તો હું પણ તમારી પોતાની જ છું ને " માં". . . એક બીજો મુદ્દો પણ અહી કેહવા ઈચ્છું છું॥ એ છે તમારા દીકરા સાથે સંકળાયેલો અત્યંત સંવેદનશીલ મુદ્દો । તમે જ એમને એમની જવાબદારી સંભાળવાનું શિખવાડ્યું છે . અત્યારે નવા વાતાવરણ માં હું ભળવાની કોશિશ કરું છું ત્યારે એ મારા આધાર રૂપ બને એમ હું ઈચ્છું છું . કોઈ પણ નવા સંબંધ માં એકબીજાને સમજવા, એકબીજા ને માટે સમય ફાળવવા જરૂરી છે. જો અમે એકબીજા ના સાથ થી ખુશ હોઈશું તો પરિવાર ને અમારી નિષ્ઠા અને પ્રેમ આપી શકીશું ." લગ્ન થયા એટલે દીકરો બદલાઈ ગયો" એવા વિચારો અમને ખુશ નહિ રેહવા દે .માત્ર થોડા સમીકરણો બદલશે પરંતુ તમારું આ ઘર માં સ્થાન સર્વોચ હતું અને હંમેશા માટે રેહશે એનો વિશ્વાસ રાખજો .


મેં જે કઈ લખ્યું છે અહિયાં તે ઘર ના કોઈ નાનામોટા નાં મન ને ઠેશ પહોચાડવા માટે નથી લખ્યું. હું તમારા સૌ સાથે ભળી જવા ઈચ્છું છું. મેં અહી મારા મન માં રહેલા ડર, શંકા અને અનીશ્તિતતા શાબ્દિક રીતે વ્યક્ત કરી છે . એવી આશા સાથે કે મને ડગલે ને પગલે તમારા સૌનો સાથ મળશે . તમારા અનુભવ મને કાયમ માર્ગદર્શન આપશે આવો મને અતૂટ વિશ્વાસ છે.

તમારી દીકરી

Monday, November 22, 2010

બા, તમે આજ બહુ જ યાદ આવ્યા....


બા, તમે આજ બહુ જ યાદ આવ્યા,
બહુ યાદ આવ્યા, બહુ યાદ આવ્યા

ભીંજાઈને બહારથી ઘરે હું આવ્યો
છીંકાછીંક શરદી તાવ સાથ લાવ્યો
છાતી ગળે પત્નીએ બામ લગાવ્યો
આંખોમાં આંસુ ત્યાં તો ધસી આવ્યાં
બા, તમે આજ બહુ જ યાદ આવ્યા.
બહુ યાદ આવ્યા,બહુ યાદ આવ્યા.

મંદિરમાં જઈ આજ દર્શન કર્યાં મેં
ઘંટ વગાડ્યો,પૂજા-અર્ચના કરી મેં
પ્રસાદ લીધો,લઈને ઘરે હું આવ્યો
આંખોમાં આંસુ ત્યાં ભરાઈ આવ્યાં
બા, તમે આજ બહુ જ યાદ આવ્યા.
બહુ યાદ આવ્યા,બહુ યાદ આવ્યા.

બા, તારા પૌત્રના આજે લગ્ન કીધાં
તુજ વહૂને પોંખીને ઓવારણા લીધાં
પૂત્રવધુના ઘરે આજ પગલાં પડ્યાં
હૃદયનાં બંધ બેફામ સૌ તૂટી પડ્યાં
બા, તમે આજ બહુ જ યાદ આવ્યા.
બહુ યાદ આવ્યા,બહુ યાદ આવ્યા.

ઝરણાં,નદીઓ એમ જ વહેતાં રહેશે
સાગર ઊછળશે,વાદળો પણ છવાશે
એજ વાયુને એજ રોજિંદુ વાતાવરણ
પણ બા, તમે ક્યાં છો, તમે ક્યાં છો?
બા, તમે આજ બહુ જ યાદ આવ્યા.
બહુ યાદ આવ્યા,બહુ યાદ આવ્યા.

આવું સુંદર કાવ્ય વાંચી ,
બા અવશ્ય યાદ આવેજ .
બા કદી ભૂલાય નહીં. અને જો બાને ભૂલ્યા ,
તો એળે ગયો અવતાર ......

Friday, November 12, 2010

પ્રાર્થના.....!!!!


હે પ્રભો !
વિપત્તિમાં મારી રક્ષા કરો, એ મારી પ્રાર્થના નથી,
પણ વિપત્તિમાં હું ભય ન પામું,
એ મારી પ્રાર્થના છે.
દુ:ખ ને સંતાપથી ચિત્ત વ્યથિત થઇ જાય ત્યારે
મને સાંત્વના ન આપો તો ભલે,
પણ દુ:ખ પર હું વિજય મેળવી શકું એવું કરજો.
મને સહાય ન આવી મળે તો કાંઇ નહિ,
પણ મારું બળ તૂટી ન પડે.
સંસારમાં મને નુકસાન થાય,
કેવળ છેતરાવાનું જ મને મળે,
તો મારા અંતરમાં હું તેને મારી હાનિ ન માનું તેવું કરજો.
મને તમે ઉગારો – એવી મારી પ્રાર્થના નથી,
પણ હું તરી શકું એટલું બાહુબળ મને આપજો.
મારો બોજો હળવો કરી મને ભલે હૈયાધારણ ન આપો,
પણ એને હું ઊંચકી જઈ શકું એવું કરજો.
સુખના દિવસોમાં નમ્રભાવે તમારું મુખ હું ઓળખી શકું,
દુ:ખની રાતે, સમગ્ર ધરા જ્યારે પગ તળેથી ખસી જાય
ત્યારે તમે તો છો જ -
એ વાતમાં કદી સંદેહ ન થાય, એવું કરજો.

Wednesday, November 10, 2010

આજ ની જિંદગી આજ ની હકીકત ...!!!


દિલ પુછે છે મારું, અરે દોસ્ત્ તું ક્યાં જાય છે?
જરાક તો નજર નાંખ, સામે કબર દેખાય છે.

ના વ્યવહાર સચવાય છે, ના તહેવાર સચવાય છે,
દિવાળી હોય કે હોળી, બધુ ઓફિસમાં જ ઉજવાય છે.
આ બધું તો ઠીક હતું, પણ હદ તો ત્યાં થાય છે,
લગ્નની મળે કંકોત્રી, ત્યાં શ્રીમંતમાં માંડ જવાય છે.
દિલ પુછે છે મારું, અરે દોસ્ત્ તું ક્યાં જાય છે…

પાંચ આંકડાના પગાર છે, પણ પોતાના માટે પાંચ મિનીટ પણ ક્યાં વપરાય છે,
પત્નીનો ફોન બે મિનીટમાં કાપીએ છે, પણ ક્લાઈન્ટનો કોલ ક્યાં કપાય છે.
ફોનબુક ભરી છે મિત્રોથી, પણ કોઈનાયે ઘરે ક્યાં જવાય છે,
હવે તો ઘરનાં પ્રસંગો પણ હાફ-ડે માં ઉજવાય છે.
દિલ પુછે છે મારું, અરે દોસ્ત્ તું ક્યાં જાય છે…

કોઇને ખબર નથી, આ રસ્તો ક્યાં જાય છે,
થાકેલાં છે બધા છતાં, લોકો ચાલતાં જ જાય છે.
કોઇકને સામે રૂપીયા, તો કોઇકને ડોલર દેખાય છે,
તમેજ કહો મિત્રો, શું આને જ જીંદગી કહેવાય છે?
દિલ પુછે છે મારું, અરે દોસ્ત્ તું ક્યાં જાય છે…

બદલતા આ પ્રવાહમાં, આપણા સંસ્કાર ધોવાય છે,
આવનારી પેઢી પૂછશે, સંસ્કૃતિ કોને કહેવાય છે.
એકવાર તો દિલને સાંભળો, બાકી મનતો કાયમ મુંઝાય છે,
ચાલો જલ્દી નિણૅય લઇએ, મને હજુંય સમય બાકી દેખાય છે

જીવનના સાત પગલા


* જન્મ———-એક અણમોલ સોગાદ છે, જે ભગવાન ની ભેટ છે.
* બચપન——મમતાનો દરિયો છે, પ્રેમથી દરિયો
છે, જે ડૂબી શક્યો તે તરિયો છે.
* તરુણાવસ્થા—-કંઇ વિચારો, કંઇ આશાઓ નો પહાડ છે,મેળવવાની અનહદ આશ છે, લૂટવાનીતમન્ના છે.
* યુવાવસ્થા——બંધ આંખોનું સાહસ છે, જોશછે…ઝનૂન છે, ફના થવાની ઉમ્મીદો છે,કૂરબાની નીઆશાઓ છે, લૂટાઇ જવાની ખ્વાહિશ છે.
* પ્રૌઢાવસ્થા—–ખૂદને માટે કંઇ ન કરી શકતાં મેળવીને આપવાની પણ ખૂશી છે, કુટુંબ માટે કુરબાનથવાની જીજીવિશા છે.
* ઘડપણ——–વિતેલા જીવનનો સરવાળો છે,મારા આપણાનો વહેવાર છે, જેવું વાવ્યું હતું તેવુંલણવાનો સમય છે.
* મરણ———–જીન્દગીની કિતાબ ખૂલશે, નાડીએ-નાડીએ કર્મ તૂટશે, પાપ -પૂણ્યનો મર્મ ખૂલશે,કર્મ- ધર્મ નો હિશાબ થશે, સ્વર્ગ-નર્કનો માર્ગ થશે, પોતાનાનો પ્યાર છૂટશે. સાત પગલા પૂરા થશે…..

Tuesday, November 9, 2010

“સાચો પ્રેમ”…

Image and video hosting by TinyPic




જે મળે તેને ચાહવું એ સમજુતી છે,
જેને ચાહો તેને મેળવવું તે સફળતા છે,
પણ જયારે ખબર હોય કે જે નથી મળવાનું…
છતાં ચાહવું તે “સાચો પ્રેમ” છે.

પ્રેમના પુનરાવર્તન


સમયને કદી બંધન નથી નડતા,
ખરેલા પાન લીલા નથી થતા,
દુનિયા કહે છે બીજો પ્રેમ કરી લ્યો…!
કોણ સમજાવે એમને કે…
સાચા પ્રેમના પુનરાવર્તન નથી હોતા.

સવાલ....!!!


જિંદગી જાણે કેટલા વળાંક આપે છે,
દરેક વળાંક પર નવા સવાલ આપે છે,
શોધતા રહીએ આપણે જવાબ જિંદગી ભર,
જવાબ મળે તો જિંદગી સવાલ બદલી નાખે છે.

પ્રેમ શું છે…???


પ્રેમ શું છે એ ના પૂછો તો સારું,
સાચવો તો અમૃત છે, પીવો તો ઝેર છે,
હર રાત એક મીઠો ઉજાગરો છે,
આંખ અને નીંદર ને સામ-સામે વેર છે.
“આનું નામ જ પ્રેમ છે”

એક ઝલક એમની…


જોઈ એક ઝલક એમની અને નસીબ સમજી બેઠા,
આંખોની એક ચમકને પ્રેમ સમજી બેઠા,
યાદમાં એમની કર્યા છે આ રસ્તા ભીના,
ને પાગલ લોકો એને વરસાદ સમજી બેઠા.

કોઈની સાથે કરેલ વચનો.....!


કૈંક જીવનની સાદગી મને નડે છે,
કૈંક આંસુના પલકારા મને નડે છે,
જીવન જીવવામાં તો હવે કોઈ રસ નથી
કોઈની સાથે કરેલ વચનો હવે નડે છે.

તારી યાદ વગર કઈ નથી…


જીવનમાં તારા વગર કઈ નથી,
તારા પ્રેમ વગર મારો પ્રેમ કઈ નથી,
હું વિચારમાં ખોવાયો છું તારા,
કે મારા વિચાર તારી યાદ વગર કઈ નથી

Yaad


સપનામાં કરેલી વાતો યાદ આવે છે,
ખુદા ને કરેલી ફરિયાદો યાદ આવે છે,
ફક્ત તારા સંગ જીવન મહેકતું હતું મારું
સાથે તારા વિતાવેલી પળો યાદ આવે છે.

એક ક્ષણ...!


મુજને મરણ મળે તો એવું મળે કે
અંતિમ સમયે તારું સ્મરણ રહે
હું ક્યાં કહું છું કે મને આખું જીવન મળે
પણ તારા મિલન માટે એકાદ ક્ષણ મળે.

Friday, October 29, 2010

વિયોગ...!!!!!!!!!!


આમ તો હરદમ હજૂરી હોય છે,
આપણાં મનમાં જ દૂરી હોય છે.
મૌનની સરહદ વટાવી જાવ તો,
શબ્દ સઘળા બિનજરૂરી હોય છે.
ને પછી ઊગે છે સૂરજ આંગણે,
પહેલાં તારી યાદ સ્ફુરી હોય છે.
ધોમધમખતા રણ વિશે ચિંતા ન કર,
રણની વચ્ચે પણ ખજૂરી હોય છે.
દૂર બેઠા યાદ આવે છે સતત,
પાન પણ કેવાં કપૂરી હોય છે.
એક પણ ઇચ્છા પૂરી ના થૈ શકી,
હર ગઝલ અધૂરી હોય છે

એ મારો જ પ્રેમ છે


શું તને ખબર છે ??
આભ માં થી જે ઝર મર ઝર મર વરસે છે
પછી વાદળ બની જે ધોધમાર વરસે છે
એ મારો જ પ્રેમ છે

શું તને ખબર છે ?
હુફળી સવાર ના આકાશ માં જે ચમકે છે
ને રાતે શીતલ ચાંદની બની દમકે છે
એ મારો જ પ્રેમ છે

શું તને ખબર છે ?
ખીલતી વસંત માં જે સુવાસ બની મેહ્કે છે
મૌસમ માં જે ચેહક ચહેકે છે
એ મારો જ પ્રેમ છે

શું તને ખબર છે ?
ચંદ ચકોરી ને ફૂલ ભમરા ની જે પ્રીત છે
નદી ના વહેં માં વહેતું જે સંગીત છે
એ મારો જ પ્રેમ છે

શું તને ખબર છે ?
કઈ કેટલીયે વેદનાઓ જે હસતા મુખે સહે છે
ને તારી રાગ રાગ માં જે લોહી બની વહે છે
એ મારો જ તો પ્રેમ છે

શું તને ખબર છે ?
કઈ છૂપો નથી આખી દુનિયા ની એ સામે છે
છતાં જનમ જનમ થી જે ફક્ત તારા નામે છે
એ મારો જ પ્રેમ છે

આવ તને મળવું એનાથી શું તું એને ઓળખે છે
જે તારાથી પણ વધુ તને ઓળખે છે
એ મારો જ પ્રેમ છે ...

મૌન


જેટલો આકાશનો વિસ્તાર છે,
એટલો મુજ શબ્દનો વ્યાપાર છે.
દર્પણોમાં જોઇને થાકી ગઈ
થાય છે કે પ્રતિબિંબ પણ હદપાર છે.
લાગણીને ત્રાજવે તોળી જુઓ;
સાવ હળવી યાદમાં પણ ભાર છે.
કઇ દશામાં હું શ્વસું છું – શી ખબર ?
છે મજા – કે મૌનનો સહકાર છે.

પલક

Tuesday, October 26, 2010

તારી આંખો માં હું પ્રેમ મારો શોધું છું
તારી નજરો માં હું ચેહરો મારો શોધું છું
કરું છું તને પ્રેમ એ તો સત્ય છે
કેવી રીતે કહું તને હું દિલ ની વાત એ રીત હું શોધું છું
જયારે કોઈ ના સપના કોઈ ના અરમાન બની જાય છે
કોઈ ની હસી કોઈ ની સ્મિત બની જાય છે
આજ તો પ્રેમ ની સીમા છે
કોઈ નો જીવ કોઈ ના શ્વાસ બની જાય છે

Monday, October 25, 2010

સારી રીત નથી ...!!!


એવુય નથી કે વતન માટે મને પ્રિત નથી
હુ એય જાણૂ છુ કે અમેરીકા રહેવામા મારુ હીત નથી
ઇચ્છા થાય છે અમેરીકાના અનુભવો લખુ તમને
શુ લખુ ? અહીયા સંસ્કાર કે સંસ્ક્રુતિ સંકલિત નથી.
મને ઘણૉ થાય છે વતન છોડ્યાનો અફ્સોસ હવે,
હિમાલય છોડીને સ્નોના ઢગલા મેળવામા કાઇ જીત નથી.
અમેરીકન રેપ સોંગ સાંભળીને કાન ને એઠા કરવાના
અહીંયા નરસિંહ મીરા ના પ્રભાતિયા કે ભજન સંગિત નથી.
સંતાનો ના ઉછેરીકરણ નોય અહીંયા હોય છે હિસાબ કિતાબ
અહીયા ભરતીય માબાપ જેવુ ઉદારીકરણ ગણિત નથી
બદલાતી ફેશનના નખરા અહીંયા હોય છે નિત્ય નવા
સ્ત્રીના બાહ્ય સૌદર્ય જેટ્લુ આંતરીક સૌદર્ય ચકચકીત નથી.
પ્રેમ , વિસ્વાસ અને અનુકુલીન આઘરીત સંબઘો નથી
ઇન્ડીયન કલ્ચર જેવુ લગ્નજીવન અહીંયા વ્યવસ્થિત નથી
દુઃખી થવાની ઘણીજ રીતો હશે દુનિયા મા હે પ્રભુ
મનને મારીને જીવ્યાકરવુ એસારી રીત નથી

NOW READ AN ANSWER TO THIS POEM..........

મગરનાં આંસુ-
જે દેશનો રોટલો ખાવો છે-તેને ગાળો ભાંડવી ઠીક નથી.
વતનને તરછોડી આવ્યા છો જાતે,હવે રોદડાં રડવા ઠીક નથી.
લો કટના બ્લાઉઝ અને ખુલ્લા પેટ ગુજરાતમાં જોયા પછી,
અમેરિકાની સંસ્કૃતિની વાતો કરવી ઠીક નથી.
સરસ્વતી મંદીરોમા, જયાં વિદ્યાર્થીનીઓ સેઇફ નથી,
ત્યાં રોજે સંસ્કૃતિના બણગાં ફૂંકવા ઠીક નથી.
બોલિવુડના બિભત્સ ન્રુત્યોને રોજ ટીવી પર જોયા પછી,
મનમાં ગમતી-અમેરિકાની ફેશન વખોડવી ઠીક નથી.
જયાં ઘરડાંઘર નીત નવા બંધાતા હોય ત્યાં,
ભારતિય માબાપોની સેવા કરતાં શ્રવણોની વાતો ઠીક નથી.
મહારાજો ,બાબાઓ,લાલુઓ, ઠાકરેઓ-અને “ભાઇ”ઓ નો.
દેશ છોડી આવ્યા પછી ,હવે ઓબામાને ગાળો દેવી ઠીક નથી.
જે માને તમે તરછોડીને આવ્યા છો તે હજુ ત્યાં જ છે.
પાછા પહોંચી જાવ,કોઇ રોકે નહી, મગરના આ આંસુ ઠીક નથી.

છેલ્લે તો આપણે બે જ હોઈશું…




ભલે ઝગડીએ, ક્રોધ કરીએ, એકબીજા પર તુટી પડીએ,
એકબીજા પર દાદાગીરી કરવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.
જે કહેવું હોય એ કહી લે, જે કરવું હોય એ કરી લે,
એકબીજાનાં ચોકઠાં(ચશ્માં) શોધવા છેલ્લે તો આપણે બે જ હોઈશું.
હું રીસાઈશ તો તું મનાવજે, તું રીસાઈશ તો હું મનાવીશ,
એકબીજાને લાડ લડાવવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.
આંખો જયારે ઝાંખી થશે, યાદશક્તી પણ પાંખી થશે,
ત્યારે, એકબીજાને એકબીજામાં શોધવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.
ઘુંટણ જ્યારે દુઃખશે, કેડ પણ વળવાનું મુકશે,
ત્યારે એકબીજાના પગના નખ કાપવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.
‘મારા રીપોર્ટસ્ તદ્દન નોર્મલ છે, આઈ એમ ઓલરાઈટ’,
એમ કહીને, એકબીજાને છેતરવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.
સાથ જ્યારે છુટી જશે, વીદાયની ઘડી આવી જશે,
ત્યારે, એકબીજાને માફ કરવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.