Tuesday, September 29, 2020

થાપા

                સંતડી દઉં દીકરી નાં ઝાંઝર અને કડલાં
                   પણ ભીંતો નાં કંકુ થાપા ક્યાં સંતાડું ?

Sunday, September 6, 2020

ઘરચોળુ અને પાનેતર

ખૂબ લગ્નો માણીને મોજ કરતા સહુને કદી પ્રશ્ન થયો છે કે પાનેતર અને ઘરચોળુંએ સાડી હોવા છતાં બંને વચ્ચે કેટલો ભેદ છે? 

    ફેશનની દુનિયામાં ઇન્ડિયન ટ્રેડિશનલ વેર તરીકે વધુ અને વધુ બારીકાય વડે જેમાં વિવિધતા લવાય છે એના કલરમાં ફેરફાર કેમ નથી થતો?

શુ ફેર છે ઘરચોળાની ડિઝાઇન અને પાનેતરની ડિઝાઇનમાં કયા કારણોસર તેમના કલરમાં કોઈ બદલાવ નથી કરાતો?
********
પાનેતર.
******
      ◆પરણેતરને મામા તરફથી અપાતી સાડી. મામેરામાં પ્રથમ શ્રેણીની ભેટ ભાણેજને અપાતી સાડી. મા+મા= મામા બે મા જેટલો સ્નેહ કરતા મામા આ ભેટ પરણનાર ભાણેજને આપે છે ત્યારે એ પાનેતર સવિશેષ બને છે. 

પાનેતરનો રંગ
***********
      ◆પાનેતરનો રંગ સફેદ હોય છે. તેની બોર્ડર પર ઘેરો લાલ રંગ  હોય છે . અને સોનેરી ભરતકામ વડે તેને સુસજ્જ કરાય છે. સફેદ રંગ મુખ્ય હોય છે તેમાં , એની પાછળ એ ભાવના હોય છે કે પિયર માં રહેતી દીકરી આજ સુધી શાંતિ ધૈર્ય અને સૌમ્યતા સાથે પિયરના નિયમોનું વહન કરી જીવી ,  કોઈ મલિન વિચાર કે ખરાબ વર્તન ન કરીને તેણે સફેદ રંગની શોભાની જેમ પિયરની શોભા શુભ્ર રાખી છે. ઘેરા લાલ રંગની બોર્ડર સૂચવે છે કે અત્યાર સુધી લોહીના સંબંધોએ તેને લાડ લડાવ્યા તેના કોડ પુરા કર્યા. સોનેરી ભરતકામ સૂચવે છે કે તેની દરેક મનોકામનનાને રંગોળીની જેમ ભાતીગળ રીતે સજાવીને રાખી છે આ બધું સૂચવે છે કે અમે તારા પિયર ( કુટુંબ+ મોસાળ)ના સભ્યોએ તને ખૂબ પ્રેમ સહિત પાલવીને રાખી હવે એ દીકરી તારે આ સ્વેત રંગી ઓઢણીના સ્વેત રંગની જેમ શુદ્ધ પ્રેમ અને અમલીન ભાવના વડે સાસરી શોભાવવી  લાલરંગી ઓઢણીની કોરની જેમ નવા સંબંધોને રંગીન રાખવા લાલ રંગની જેમ ચટકીલા અને ઉન્નતિ તરફ દોરે તેવા રાખવા. અને આવી ઉચ્ચતર શીખતો જેમાં બે માના ગુણ હોય તેવા મામા જ આપી શકે તેથી પાનેતર મામા લાવે છે.

પાનેતરની ડિઝાઇન.
****************
       ◆ પાનેતરને આખેઆખું ભરચક ભરતકામ વડે નથી શોભાવાતું. પાનેતરના સફેદ હિસ્સામાં સોનેરીતાર, લાલ- લીલા રેશમી દોરા , મોતી આભલા અને ટિકી વડે  છૂટું છવાયું કરાયેલું  ભરતકામ દીકરીને લાડતો કરાવ્યા સાથે બચતની શીખ પણ આપી છે એ સૂચવે છે. ઘેરા લાલ ભાગમાં ભાતીગળ ભરચક વેલબુટીનું ભરતકામ સૂચવે છે કે જે રીતે પિયરમાં એકરસ થઈ ભળીને રહી અને આંગણુ દીપાવ્યું એમ સાસરીમાં આ લાલ રંગને સફેદ પર ઓળઘોળ કરીને રહેજે. પારકાને  પોતાના કરીને  રહેજે. 

ઘરચોળું
*******
    ◆ ઘરચોળું પરણેતરના સાસરેથી આવે છે. છાબની સાડીઓ મા મુખ્ય. અરે સોનાના ઘરેણાં સાથે મુકાતી સાડી એટલે સુવર્ણસમ! છાબ ભરતી વેળાએ ઘરના મોભીના હાથમાં શોભતા ઘરચોળામાં સસરીની આન લપેટાયેલ હોય છે.
ઘરચોળાનો રંગ
**************
    ◆ઘેરા લાલ અને લીલા રંગનું રેશમી તાંતણે વણાયેલ ઘરચોળું સાસરાની શાખની સંપુર્ણ પ્રતીતિ આપે છે.  રેશમી તાંતણા વણાયને રેશમી છાપ ઉભી કરે છે સાસરાની , તેનો લાલ રંગ સૂચવે છે કે લાલ રંગ જેવીજ લાલીમાં તેણે સાસરીની પ્રતિષ્ઠાને અપાવવાની છે. લીલા રંગ જેવી લીલીછમ કરીને જાળવવાની છે. 

ઘરચોળાની ડિઝાઇન
****************
      ◆ ઘેરા લાલ રંગના ભાગમાં સંપૂર્ણ સોનેરી કામ સૂચવે છે કે સાસરીની લાલીમાં પાથરતી પ્રતિષ્ઠામાં સુવર્ણની ચમક પોરવવાની છે. લીલા રંગની કોરમાં ફૂલવેલ અને હાથી પોપટ કે મોરની ભાત ઉપસાવાય છે કુટુંબના સભ્યોમાં હેતનો ઉમેરો કરવાનો અને  હાથીના કદ જેવું મોટું મન રાખી મોર અને પોપટની જેમ સદા કોટુંબીક જવાબદારીઓ હોવા છતાં ચહેકતું રહેવાનું છે. સંપૂર્ણપણે ભરતકામ વડે શણગારેલી આ સાડી સૂચવે છે કે આવનાર વધુ, આવતાની સાથે સંપૂર્ણ ઘરને આ ભરચક ભાતીગળ કારીગરી કરેલ સોનેરી ભરતકામ જેવું બારીક સુરેખ અને સુરમ્ય બનાવે. સંપૂર્ણ ઘરને સજાવેલું રાખે. દરેક સંબંધને સજાવીને રાખે.

Monday, June 29, 2020

એકબીજાને સાદ દઇને 
એકમેકમાં ઢળી જવાનું 
એકબીજાની પાસે વહેતાં 
એકબીજામાં ભળી જવાનું 
સ્હેજ અમસ્તી લ્હેરખી સાથે 
સાવ અમસ્તા લળી જવાનું સુખ
એ સુખનું નામ છું  હું 
                    ને એનું સરનામું છે તું 

મનગમતું એક ફૂલ થઇને 
એકમેકમાં મ્હેકી રહેવું, 
મદીલ સ્પર્શનો ઘૂંટ ભરીને 
રોમરોમથી બ્હેકી રહેવું 
અધૂરપ કેરી મધૂરપ લઇને
એકમેકમાં મળી જવાનું સુખ 
એ સુખનું નામ છે તું 
                    ને એનું સરનામું છું હું 

સુખની કલમ લઇને આપણે 
સુખના કાગળ માંહે લખવું 
સુખની આંખે સુખની પાંખે 
સુખના આભે સાથે ઉડવું 
અનુકૂળ જન્માક્ષરના જેવું 
એકમેકને ફળી જવાનું સુખ 
એ સુખનું નામ છું હું ને 
                          એનું સરનામું છે તું 

Thursday, May 28, 2020

સુરત

દુનિયા આખી માં કહેર છે,
પણ અમારે  *સુરત* મા લહેર છે!

બે સમય મળે છે જમવાનું
અને બે ટાઈમે મળે છે ચા,
વોટસ એપ ની શાયરી ઓ પર
કરીએ છે વાહ વાહ...
બપોરે સૂવાની મજા અનેર છે,
અમારે  *સુરત* મા લીલા લહેર છે!

ભાઈ ફરે ચડ્ડી પહેરી અને
બહેન ફરે છે ગાઉન માં!
ઝઘડા થઈ ગયા બંધ બધા
સૌ ખોવાયા ટીવી ના સાઉન્ડ માં!
વર્ષો પછી હાથમાં પત્તા ની પેર છે,
અમારે  *સુરત*  માં લીલા લહેર છે!

ઘટી ગયા ખર્ચ ઘર ના અને
વધી ગઈ છે બચત હવે,
મોહ મોંઘા નાસ્તા નો ય ગયો
ઘર ના થેપલા ભાવે હવે!
હોટેલો વિનાનું હવે શહેર છે,
અમારે  *સુરત* મા લીલા લહેર છે!

પીઝા બંધ, અને પાસ્તા એ બંધ, 
શરીર બગાડનાર નાસ્તા એ બંધ, 
ઘર માં બને તે ભુલાતું હતું, 
તેની સાથે બંધાયા ફરી સંબંધ!
ઘરવાળી ના હાથ ની મહેર છે,
અમારે *સુરત* મા લીલા લહેર છે!

સાથે મળી ને કરીએ છે રસોઈ, 
થઇ એ રાજી એને ચાખી જોઈ, 
ઘર ને કરીએ છે ચોખ્ખું ચણાક, 
કામ કરીએ એવું કે આવે નહિ વાંક, 
કરવા જેવા કામ ઘરમાં અનેક છે, 
અમારે  *સુરત* મા  લીલા લહેર છે!

ગીત ગઝલ અને સંગીત ની મજા, 
યુ ટ્યુબ ના સથવારે ગીતો ની મજા, 
ગમતા ગીતો ના સંગાથ માં હવે, 
રોજિંદી બની ગઈ છે  રજા....
વોટસ એપ માં આવતા વીડિયોની
ભરમાર આઠે પ્રહર છે..
અમારે *સુરત* મા લીલા લહેર છે!

છે બંધ મંદિરો, અને
છે મસ્જિદ ને તાળા,
પૂનમ ભરવા વાળા ઘેર બેઠા
ફેરવે છે જૂની માળા..
 તોય જીવન માં ક્યાં કઈ ફેર છે? 
 અમારે *સુરત* મા લીલા લહેર છે!

મોઢા પર બંધાયા માસ્ક છે
હાથ ઉપર ના કોઈ ટાસ્ક છે
ફોન પણ ઝાઝા વાગતા નથી
ના ટેન્શન ના ત્રાસ છે...
કેવું ડાહ્યા દીકરા જેવું શહેર છે,
અમારે *સુરત* મા લીલા લહેર છે!

*દુનિયા આખી માં કહેર છે,
*પણ અમારે  સુરતમા લીલા લહેર છે!*

Monday, March 9, 2020

happy holi

તારા ગાલપર ઝૂલતી રંગીલી લટ
ને અમે સાવ છીએ કોરા રે કટ
સખી તારો પડે છે કેવો રે વટ ! 

ભર રે હોળીના દિવસો આવ્યાં
તમે તો સજનના ગાલ સજાવ્યા
અમારી આંખોથી કોરું ટપ ટપ ...
સખી!  તારો રે પડે છે કેવો રે વટ ! 

આખું રે ગગન તો રંગોમાં ન્હાયું,
ઉડે છે ચોમેરે પ્રેમરસ નું વાયુ 
લાગણી ભર્યા દિલને કર્યું તે હટ !
સખી! તારો  પડે છે કેવો રે વટ ! 

તારા ગાલપર ઝૂલતી રંગીલી લટ
ને અમે સાવ છીએ કોરા રે કટ
સખી !તારો પડે છે કેવો રે વટ ! 


Tuesday, February 25, 2020

Wishes for daughter from parents

બેટા, 

તું પરીક્ષા આપે છે ત્યારે, મારે તને મારા હૈયાની વાત કરવી છે. 
આખું વરસ તેં જે સાંભળી, એ તો હતી મારા મનની વાત ! 

આખું વરસ તેં દોડાદોડ કરી છે, 
શાળા.. ટ્યુશન.. ઘર.. ને સતત એક ધાર્યું ભણવાનું, 
ઘરમાં ને બ્હાર બધે એક જ વાત, ભણવાની. 
જમવાની ય ફૂરસદ નહીં, ત્યાં દાળમાં મીઠુ વધારે છે, કે શાકમાં ઓછું એની જાણ ક્યાં ? તને ભાવતું બનાવવાની વાત કરીએ, પણ તું ચોપડીમાં મોં રાખી જવાબ આપે..... હં.. હા..!! 
 અમારું બધું રુટિન તારી આસપાસ, પણ તું કેન્દ્રમાં ગેરહાજર !

બેટા, તું ને અમે બધાં જ, સતત વિચારતાં રહ્યાં છીએ, 
પરીક્ષા ને પરિણામ વિષે. 
ભણતર કરતાં ય વધુ તો ભવિષ્ય વિષે, 
તારા અને અમારાં પણ ! 

પણ, આજે મારે તને કહેવું છે કે, 
એનાં કરતાં ય વધુ મહત્વ છે તારું...તારા ચહેરા પરનાં સ્મિતનું. 
વ્હાલથી તારું એ વળગી પડવું, અરીસામાં જોઇને મલકાવું, મોબાઇલ ફોનમાં છાનું છાનું વાતો કરવું, ચેટીંગ કરવું, ઘરની બ્હાર મિત્રો સાથે ટોળે મળી મસ્તી કરવું... 
તારી ચિંતા ય થાય, ને મોટા થઇ રહ્યાનો હરખ પણ. 
ત્યાં વળી કોઇ યાદ કરાવે પરીક્ષા, પરિણામ, એડમીશન, સ્પર્ધા, ભવિષ્યની,
ને હૈયાના હરખ પર વરખ લાગી જાય મનની ગણત્રીઓનો.

પણ આજે તને કહું છું, એ જ,
કે જે સતત કહેતું રહ્યું છે મારું હૈયું કે, 
વરખ ખોટો ને હરખ જ સાચો, બેટા!
પરીક્ષા ને પરિણામ બંને મહત્વનાં ખરાં, પણ 'તારા' જેટલાં નહીં. 
તેં તારાથી શક્ય છે એ કર્યું. એ બાબતે તું પ્રામાણિક હોય કે, ન ય હોય, 
તારી પરીક્ષા એ આપણા સંબંધની પરીક્ષા નથી. 
પરીક્ષાનું પરિણામ આપણા સંબંધને સ્પર્શી ન જ શકે. 
તારા સારા ભવિષ્યની અમારી ઝંખના પાછળ અમારા સલામત ભવિષ્યની કામના ભલે હોય, પણ એ  આપણે સાથે મળીને સિધ્ધ કરીશું. 
સફળતા સિધ્ધિ છે, પણ નિષ્ફળતા નિર્બળતા નથી જ!

બેટા, તારી સફળતામાં તારી સાથે છું તો 
તારી નિષ્ફળતામાં તારી પાછળ જ છું! 
સફળતામાં અમારી તાળી હોય તો નિષ્ફળતામાં ટેકો હોય જ. 
કોઇ પરીક્ષા કે પરિણામ આપણા સંબંધને નિષ્ફળ ન બનાવી શકે, બેટા. આજે ય નહીં , કાલે ય નહીં, ને ક્યારે ય નહીં! 
સફળતાનો સ્વાદ તું જરુર માણે, પણ યાદ રાખજે કે નિષ્ફળતામાં તારે મને સાદ નહીં દેવો પડે, હું તારી પડખે જ હોઇશ.

બેટા, 
આપણાં સંગાથનાં સોળ સત્તર વરસને 
આ પરીક્ષાના ત્રણ કલાક પાસ-નપાસ ન કરી શકે!

તને થશે કે, આ બધું મેં પહેલાં કેમ ન કહ્યું? 
બેટા, યુધ્ધની તૈયારી માટે કઠોર પ્રશિક્ષણ હોય 
અને યુધ્ધ માટે જતા સૈનિકનું ઉત્સાહ વર્ધન હોય... 
પણ તને પરીક્ષાખંડમાં જતાં જોઇને કઠણ રાખેલા મનને ચૂપ કરીને હૈયું બોલી ઉઠ્યું... 
બેટા, પરીક્ષા ભલે તું એકલો આપ, 
પરિણામમાં આપણે સાથે છીએ. 

યાદ રાખજે બેટા, 
જગત પરીક્ષા તો લેતું જ રહેશે, 
પણ એ આપણા પ્રયત્નને સફળ કે નિષ્ફળ કરી શકશે,
આપણા સંબંધને નહીં! 
સંતાન અને માતાપિતાના સંબંધને સ્વયં પરાત્માએ pass કર્યો હોય છે, 
એને કોઇ શું નપાસ કરી શકવાનું !

પરીક્ષા આપવા જતી વખતે પેન, પરીક્ષા પ્રવેશની ટીકીટ યાદ કરાવવાની સાથે આ કહેવાનું હતું, એ કહી દીધું...
લખીને સાથે આપું તો  કોઇ ઉતાવળિયો એને કાપલી માને એટલે....

Wednesday, February 12, 2020

બાયોડેટા - એક હાઉસવાઈફનો

*નામ* -   કોઈ પણ રાખો, શું ફરક પડે છે?
*જન્મ* - દિકરી તરીકે અણગમતો આવકાર
*ઉંમર* -  ૪૯થી ઉપર કોઈ પણ આંકડો ધારી લો.
*સરનામું-*      - પહેલા પિતાનું ઘર
                  - હાલમાં પતિનું
                  - ભવિષ્યમાં દીકરાનું ઘર
                     કે કદાચ ઘરડાઘર

*વિશેષતા* - બાપની દ્રષ્ટિએ તેજસ્વી દીકરી
                - મા ની દ્રષ્ટિએ નફકરી
                - સાસુની દ્રષ્ટિએ  દીકરાની  
                 જિંદગી બગાડી 
               - વરની દ્રષ્ટિએ જૂનવાણી ને ફૂવડ
               - મોટા થયેલા દિકરા/
                  દિકરીની દ્રષ્ટિએ -     
                  રહેવા દે તને કંઈ ખબર નહીં પડે      
              - પોતાની દ્રષ્ટિએ - ખબર નથી

*કાર્યાનુભવ*
 - ઘરકામ..... ૩૦ વર્ષથી
 - રસોડું..... ૩૦ વર્ષથી
 - ઝાડુ પોતા..... ૩૦ વર્ષથી
 - કપડા વાસણ..... ૩૦ વર્ષથી
ઘરના સભ્યો, સગા વ્હાલા અને મહેમાનોને સાચવવાના.......૩૦ વર્ષથી
*બાળકો* - નંગ બે (તેમને જન્મ, ઉછેર, ભણતર, ગણતર  વગેરે વગેરે) 
જેમ કે --
દૂધ પાયું - ૧ વર્ષ
બાળોતિયાં બદલ્યાં - ૩ વર્ષ
ચાલતા શીખવ્યું, બોલતા શીખવ્યું, ભણતા શીખવ્યું, હોમવર્ક કરાવ્યું.
-માંદગીમાં ને પરીક્ષા વખતે ઉજાગરા કર્યા વગેરે વગેરે......

*જરૂરિયાત* -બે ટાઈમ ખાવાનું,
       -થોડા ઘણા કપડા,
       -વાર - તહેવારે ને પ્રસંગે થોડા
       -ભારે  કપડા - દાગીના કુટુંબનું
       -સારું લાગે એટલા માટે

*અપેક્ષા* - કંઈ નહીં
*વળતર* - કંઈ નહીં..
*આવક* - કંઈ નહીં..
*બચત* -  કંઈ નહીં..
*પૈસાની જરૂરિયાત માટે*- પતિ કે દિકરાની પાસે માંગવાના અને એ પણ વિગતવાર જરૂરિયાત શી છે એ સમજાવવું જરૂરી. પછી પણ એ લોકોનો મૂડ હોય તો મળે અને સાથે બહુ બધી શિખામણો સાથે કે તારે શી જરૂર છે વગેરે વગેરે.

*પોતાની મુશ્કેલીઓ* - કહેવાની  મનાઈ. કહો  તો કોઈ સાંભળે નહીં કે પછી સાંભળીને ભૂલી જાય.
ઘર કુટુંબમાં કદર - કંઈ નહીં.. એમાં શું ? એ તો એણે કરવાનું જ હોયને એવી બધાની માન્યતા અને કૉમેન્ટ્સ.

અને છતાં કાયમ ફરજીયાત હસતા તો રહેવાનું જ કારણ  ઘર અને કુટુંબનું સારૂ દેખાડવા અને લોકો અભિમાની ન ગણે તે માટે !!

  ... સાચે જ સ્ત્રી મહાન છે ...