
હું જાણું છું કે અહી હું નવી છું અને મારા માટે બધું નવું , અજાણ્યું છે । મને અહીં ડગલે ને પગલે તમારા તરફ થી પ્રોત્સાહન પૂરું પડતા સ્મિત ની જરૂર પડશે । હું કઈ સારું કામ કરું ત્યારે તમારા તરફ થી પ્રેમ ભર્યા અને કઈ ભૂલ થાય તો હિંમત આપતા બે શબ્દ મને નવા વાતાવરણ માં ઝડપ થી અનુકુળ થવા માટે મદદરૂપ બનશે । મને નાની નાની જવાબદારી શરૂઆત માં સોપી ને મારા ઉપર વિશ્વાસ ની ગાંઠ મજબુત બનાવજો. ઘર ના જે કઈ રીતી રીવાજ , નિયમ હોય તે ના તૂટે તેની મને અગાઉ થી જાણ કરી દેશો. હું મારા થી બનતા પુરા પ્રયત્નો થી તેને નિભાવીશ . આ ઘર સમા મંદિર ની અને તેમાં પરોવાયેલા તમારા રૂપી મોતી ની દિનચર્યા સમજતા મને થોડો સમય તો જરૂર લાગશે પરંતુ એ માળા નું હું જલ્દી એક ઝળહળતું મોતી બની જઈશ .મારા માટે અહી આવ્યા પછી પોષક થી લઇ ને વાતચીત ની ઢબ, ખાન પાન , સામાજિક વાતાવરણ વગેરે ગણું બધું અલગ છે. અચાનક મારા માં પરિવર્તન લાવવા નું તો કદાચ અશક્ય હોય , પણ ધીરે ધીરે મારા માં આપમેળે પરિવર્તન આવી જશે .
હું જાણું છું કે પુત્રવધુ ઘર માં આવે એટલાય દીકરી માતા પ્રત્યે વધુ પડતી સંવેદનશીલ થઇ જાય છે , દીકરી સાથે તમારો વિશ્વાસ અને સંબંધ જુનો છે અને માતા ને દીકરી પ્રત્યે વધારે લાગણી હોય એ તો કુદરતી છે પરંતુ હું પણ આ સંભંધ માં શામેલ થયા ઈચ્છું છું કેમ કે હવે તો હું પણ તમારી પોતાની જ છું ને " માં". . . એક બીજો મુદ્દો પણ અહી કેહવા ઈચ્છું છું॥ એ છે તમારા દીકરા સાથે સંકળાયેલો અત્યંત સંવેદનશીલ મુદ્દો । તમે જ એમને એમની જવાબદારી સંભાળવાનું શિખવાડ્યું છે . અત્યારે નવા વાતાવરણ માં હું ભળવાની કોશિશ કરું છું ત્યારે એ મારા આધાર રૂપ બને એમ હું ઈચ્છું છું . કોઈ પણ નવા સંબંધ માં એકબીજાને સમજવા, એકબીજા ને માટે સમય ફાળવવા જરૂરી છે. જો અમે એકબીજા ના સાથ થી ખુશ હોઈશું તો પરિવાર ને અમારી નિષ્ઠા અને પ્રેમ આપી શકીશું ." લગ્ન થયા એટલે દીકરો બદલાઈ ગયો" એવા વિચારો અમને ખુશ નહિ રેહવા દે .માત્ર થોડા સમીકરણો બદલશે પરંતુ તમારું આ ઘર માં સ્થાન સર્વોચ હતું અને હંમેશા માટે રેહશે એનો વિશ્વાસ રાખજો .
મેં જે કઈ લખ્યું છે અહિયાં તે ઘર ના કોઈ નાનામોટા નાં મન ને ઠેશ પહોચાડવા માટે નથી લખ્યું. હું તમારા સૌ સાથે ભળી જવા ઈચ્છું છું. મેં અહી મારા મન માં રહેલા ડર, શંકા અને અનીશ્તિતતા શાબ્દિક રીતે વ્યક્ત કરી છે . એવી આશા સાથે કે મને ડગલે ને પગલે તમારા સૌનો સાથ મળશે . તમારા અનુભવ મને કાયમ માર્ગદર્શન આપશે આવો મને અતૂટ વિશ્વાસ છે.
તમારી દીકરી