Friday, December 31, 2010

તારી ને મારી વાત...!!!!




શબ્દોમાં ક્યાં સમાય છે તારી ને મારી વાત ?
અર્થોમાં ક્યાં ચણાય છે તારી ને મારી વાત
છલકાતી ચાંદનીમાં ઉતારી બધાં વસન,
ચંચળ બનીને ન્હાય છે તારી ને મારી વાત.
અવકાશમાં નિ:શ્વાસ બનીને ઘૂમી ઘૂમી-
એકાંતમાં પછડાય છે તારી ને મારી વાત.
આવી અતીતની આંગળી પકડીને આંખમાં
આંસુ મહીં ભીંજાય છે તારી ને મારી વાત.
રણ ખાલી-ખાલી આભ તળે એકલું નથી,
થઇ થઇ તરસ વિંઝાય છે તારી ને મારી વાત.
એની અવર-જવર છતાં ઉંબર નહીં ઘસાય ?
આવે ને પાછી જાય છે તારી ને મારી વાત.
રસ્તાની જેમ કાળ ખૂટે ક્યાં કે બેસીએ !
સપનાંનો ભાર થાય છે તારી ને મારી વાત.

Thursday, December 23, 2010

વિવશતા


શબ્દોને સંબંધોનો આકાર કેમ આપું ?
હું મારી જાતને એવો અધિકાર કેમ આપું ?
તમારી ઝુકેલી પાંપણો મારી જિંદગી છે,
હજુય આશા છે, ઇન્કાર કેમ આપું ?

સહવાસ


એક રાત ઝંખું છું હું પ્રેમ ભરી,
જેની સવાર ન હો કદી,
બસ બીજું કાંઈ જોઈતું નથી,
આટલું આપજે ઓ જિંદગી.

Tuesday, November 30, 2010

એક નવોઢા નો પત્ર સાસરીયા ને નામ ....!


હું જાણું છું કે અહી હું નવી છું અને મારા માટે બધું નવું , અજાણ્યું છે । મને અહીં ડગલે ને પગલે તમારા તરફ થી પ્રોત્સાહન પૂરું પડતા સ્મિત ની જરૂર પડશે । હું કઈ સારું કામ કરું ત્યારે તમારા તરફ થી પ્રેમ ભર્યા અને કઈ ભૂલ થાય તો હિંમત આપતા બે શબ્દ મને નવા વાતાવરણ માં ઝડપ થી અનુકુળ થવા માટે મદદરૂપ બનશે । મને નાની નાની જવાબદારી શરૂઆત માં સોપી ને મારા ઉપર વિશ્વાસ ની ગાંઠ મજબુત બનાવજો. ઘર ના જે કઈ રીતી રીવાજ , નિયમ હોય તે ના તૂટે તેની મને અગાઉ થી જાણ કરી દેશો. હું મારા થી બનતા પુરા પ્રયત્નો થી તેને નિભાવીશ . આ ઘર સમા મંદિર ની અને તેમાં પરોવાયેલા તમારા રૂપી મોતી ની દિનચર્યા સમજતા મને થોડો સમય તો જરૂર લાગશે પરંતુ એ માળા નું હું જલ્દી એક ઝળહળતું મોતી બની જઈશ .મારા માટે અહી આવ્યા પછી પોષક થી લઇ ને વાતચીત ની ઢબ, ખાન પાન , સામાજિક વાતાવરણ વગેરે ગણું બધું અલગ છે. અચાનક મારા માં પરિવર્તન લાવવા નું તો કદાચ અશક્ય હોય , પણ ધીરે ધીરે મારા માં આપમેળે પરિવર્તન આવી જશે .


હું જાણું છું કે પુત્રવધુ ઘર માં આવે એટલાય દીકરી માતા પ્રત્યે વધુ પડતી સંવેદનશીલ થઇ જાય છે , દીકરી સાથે તમારો વિશ્વાસ અને સંબંધ જુનો છે અને માતા ને દીકરી પ્રત્યે વધારે લાગણી હોય એ તો કુદરતી છે પરંતુ હું પણ આ સંભંધ માં શામેલ થયા ઈચ્છું છું કેમ કે હવે તો હું પણ તમારી પોતાની જ છું ને " માં". . . એક બીજો મુદ્દો પણ અહી કેહવા ઈચ્છું છું॥ એ છે તમારા દીકરા સાથે સંકળાયેલો અત્યંત સંવેદનશીલ મુદ્દો । તમે જ એમને એમની જવાબદારી સંભાળવાનું શિખવાડ્યું છે . અત્યારે નવા વાતાવરણ માં હું ભળવાની કોશિશ કરું છું ત્યારે એ મારા આધાર રૂપ બને એમ હું ઈચ્છું છું . કોઈ પણ નવા સંબંધ માં એકબીજાને સમજવા, એકબીજા ને માટે સમય ફાળવવા જરૂરી છે. જો અમે એકબીજા ના સાથ થી ખુશ હોઈશું તો પરિવાર ને અમારી નિષ્ઠા અને પ્રેમ આપી શકીશું ." લગ્ન થયા એટલે દીકરો બદલાઈ ગયો" એવા વિચારો અમને ખુશ નહિ રેહવા દે .માત્ર થોડા સમીકરણો બદલશે પરંતુ તમારું આ ઘર માં સ્થાન સર્વોચ હતું અને હંમેશા માટે રેહશે એનો વિશ્વાસ રાખજો .


મેં જે કઈ લખ્યું છે અહિયાં તે ઘર ના કોઈ નાનામોટા નાં મન ને ઠેશ પહોચાડવા માટે નથી લખ્યું. હું તમારા સૌ સાથે ભળી જવા ઈચ્છું છું. મેં અહી મારા મન માં રહેલા ડર, શંકા અને અનીશ્તિતતા શાબ્દિક રીતે વ્યક્ત કરી છે . એવી આશા સાથે કે મને ડગલે ને પગલે તમારા સૌનો સાથ મળશે . તમારા અનુભવ મને કાયમ માર્ગદર્શન આપશે આવો મને અતૂટ વિશ્વાસ છે.

તમારી દીકરી

Monday, November 22, 2010

બા, તમે આજ બહુ જ યાદ આવ્યા....


બા, તમે આજ બહુ જ યાદ આવ્યા,
બહુ યાદ આવ્યા, બહુ યાદ આવ્યા

ભીંજાઈને બહારથી ઘરે હું આવ્યો
છીંકાછીંક શરદી તાવ સાથ લાવ્યો
છાતી ગળે પત્નીએ બામ લગાવ્યો
આંખોમાં આંસુ ત્યાં તો ધસી આવ્યાં
બા, તમે આજ બહુ જ યાદ આવ્યા.
બહુ યાદ આવ્યા,બહુ યાદ આવ્યા.

મંદિરમાં જઈ આજ દર્શન કર્યાં મેં
ઘંટ વગાડ્યો,પૂજા-અર્ચના કરી મેં
પ્રસાદ લીધો,લઈને ઘરે હું આવ્યો
આંખોમાં આંસુ ત્યાં ભરાઈ આવ્યાં
બા, તમે આજ બહુ જ યાદ આવ્યા.
બહુ યાદ આવ્યા,બહુ યાદ આવ્યા.

બા, તારા પૌત્રના આજે લગ્ન કીધાં
તુજ વહૂને પોંખીને ઓવારણા લીધાં
પૂત્રવધુના ઘરે આજ પગલાં પડ્યાં
હૃદયનાં બંધ બેફામ સૌ તૂટી પડ્યાં
બા, તમે આજ બહુ જ યાદ આવ્યા.
બહુ યાદ આવ્યા,બહુ યાદ આવ્યા.

ઝરણાં,નદીઓ એમ જ વહેતાં રહેશે
સાગર ઊછળશે,વાદળો પણ છવાશે
એજ વાયુને એજ રોજિંદુ વાતાવરણ
પણ બા, તમે ક્યાં છો, તમે ક્યાં છો?
બા, તમે આજ બહુ જ યાદ આવ્યા.
બહુ યાદ આવ્યા,બહુ યાદ આવ્યા.

આવું સુંદર કાવ્ય વાંચી ,
બા અવશ્ય યાદ આવેજ .
બા કદી ભૂલાય નહીં. અને જો બાને ભૂલ્યા ,
તો એળે ગયો અવતાર ......

Friday, November 12, 2010

પ્રાર્થના.....!!!!


હે પ્રભો !
વિપત્તિમાં મારી રક્ષા કરો, એ મારી પ્રાર્થના નથી,
પણ વિપત્તિમાં હું ભય ન પામું,
એ મારી પ્રાર્થના છે.
દુ:ખ ને સંતાપથી ચિત્ત વ્યથિત થઇ જાય ત્યારે
મને સાંત્વના ન આપો તો ભલે,
પણ દુ:ખ પર હું વિજય મેળવી શકું એવું કરજો.
મને સહાય ન આવી મળે તો કાંઇ નહિ,
પણ મારું બળ તૂટી ન પડે.
સંસારમાં મને નુકસાન થાય,
કેવળ છેતરાવાનું જ મને મળે,
તો મારા અંતરમાં હું તેને મારી હાનિ ન માનું તેવું કરજો.
મને તમે ઉગારો – એવી મારી પ્રાર્થના નથી,
પણ હું તરી શકું એટલું બાહુબળ મને આપજો.
મારો બોજો હળવો કરી મને ભલે હૈયાધારણ ન આપો,
પણ એને હું ઊંચકી જઈ શકું એવું કરજો.
સુખના દિવસોમાં નમ્રભાવે તમારું મુખ હું ઓળખી શકું,
દુ:ખની રાતે, સમગ્ર ધરા જ્યારે પગ તળેથી ખસી જાય
ત્યારે તમે તો છો જ -
એ વાતમાં કદી સંદેહ ન થાય, એવું કરજો.

Wednesday, November 10, 2010

આજ ની જિંદગી આજ ની હકીકત ...!!!


દિલ પુછે છે મારું, અરે દોસ્ત્ તું ક્યાં જાય છે?
જરાક તો નજર નાંખ, સામે કબર દેખાય છે.

ના વ્યવહાર સચવાય છે, ના તહેવાર સચવાય છે,
દિવાળી હોય કે હોળી, બધુ ઓફિસમાં જ ઉજવાય છે.
આ બધું તો ઠીક હતું, પણ હદ તો ત્યાં થાય છે,
લગ્નની મળે કંકોત્રી, ત્યાં શ્રીમંતમાં માંડ જવાય છે.
દિલ પુછે છે મારું, અરે દોસ્ત્ તું ક્યાં જાય છે…

પાંચ આંકડાના પગાર છે, પણ પોતાના માટે પાંચ મિનીટ પણ ક્યાં વપરાય છે,
પત્નીનો ફોન બે મિનીટમાં કાપીએ છે, પણ ક્લાઈન્ટનો કોલ ક્યાં કપાય છે.
ફોનબુક ભરી છે મિત્રોથી, પણ કોઈનાયે ઘરે ક્યાં જવાય છે,
હવે તો ઘરનાં પ્રસંગો પણ હાફ-ડે માં ઉજવાય છે.
દિલ પુછે છે મારું, અરે દોસ્ત્ તું ક્યાં જાય છે…

કોઇને ખબર નથી, આ રસ્તો ક્યાં જાય છે,
થાકેલાં છે બધા છતાં, લોકો ચાલતાં જ જાય છે.
કોઇકને સામે રૂપીયા, તો કોઇકને ડોલર દેખાય છે,
તમેજ કહો મિત્રો, શું આને જ જીંદગી કહેવાય છે?
દિલ પુછે છે મારું, અરે દોસ્ત્ તું ક્યાં જાય છે…

બદલતા આ પ્રવાહમાં, આપણા સંસ્કાર ધોવાય છે,
આવનારી પેઢી પૂછશે, સંસ્કૃતિ કોને કહેવાય છે.
એકવાર તો દિલને સાંભળો, બાકી મનતો કાયમ મુંઝાય છે,
ચાલો જલ્દી નિણૅય લઇએ, મને હજુંય સમય બાકી દેખાય છે