Saturday, June 19, 2021

ગૃહિણી


ગૃહિણી તરીકે જીવી ગયેલી અનેક સ્ત્રીઓ સામાન્ય રીતે એવી ફરિયાદ કરતી હોય છે કે એમણે એમની આખી જિંદગી બરબાદ કરી નાખી અને જીવનમાં કશુંક કરી શક્યા નહીં. વાત કદાચ ખોટી પણ નથી... લગ્ન થાય ત્યારે બે જણાં પોતપોતાના સપનાં લઈને ભેગા થાય છે. આગળ વધવાના, સાથે સાથે જીવવાના, સંસારને-'સમ+સાર' બનાવવાના વચન સાથે... સમ એટલે સરખો અને સાર એટલે એનો રસ, મૂળ તત્વ અથવા ઉત્તમ એસ્ટ્રેક્ટ. 
આમાં એક જણ બહુ ઝડપથી દોડવા લાગે છે. એ મહત્વકાંક્ષી હોય છે, એના સપનાં કદાચ વધુ મોટાં અને વધુ તેજસ્વી હોય છે... બીજી વ્યક્તિ ક્યારેક પોતાના સપનાં જતાં કરીને સાથેની વ્યક્તિને આગળ વધવાની તક આપે છે. આ સમર્પણ કે બલિદાન નથી, સહયોગ છે, સહકાર છે અને સ્નેહ છે ! આગળ વધેલી વ્યક્તિએ પોતાની સાથે પ્રવાસે નીકળેલી વ્યક્તિને ભૂલીને દોડવાને બદલે થોડી થોડી વારે અટકીને એ પાછળ આવે છે કે નહીં એટલું જરૂર જોતા રહેવું જોઈએ. હાથ પકડીને સપ્તપદીના વચન આપ્યા હોય એવા પતિ-પત્ની, સંતાન માટે પોતાની કેટલીયે ખુશીઓ કે સ્વપ્ના જતાં કર્યાં હોય એવા માતા-પિતા કે કોઈક મિત્રને પાછળ છોડીને આગળ વધી ગયેલા લોકો સફળ હોઈ શકે, પરંતુ સુખી નથી થતા.

Monday, January 25, 2021

એક આદર્શ "હું"

"હવે તો વહુ બધું કામ કરે છે તો તું તો નવરી જ રહેતી હોઈશ.તને શું કામ હોતું હશે?"  પતિ ઉવાચ.

"મા, શીવાની જોબ પણ કરે છે, ઘરકામથી પણ  નવરી જ નથી થતી. આટલું કામ એનાથી થતું હશે?" દીકરો ઉવાચ.

પરસ્પર વિરોધી આવા વિધાનો વચ્ચે કાયમ પીસાતી હું,
ઘરનાં અડધાથી વધુ કામમાં સતત પરોવાયેલી રહેતી છતાં નવરી ગણાતી હું,
સતત મનોમંથન ના જાળામાં અટવાતી, ફસાતી હું.
લગ્ન પછી ના આટલા વર્ષો
આદર્શ પુત્રવધૂ, આદર્શ પત્ની અને આદર્શ માતા બનવાની લ્હાયમાં ગુમાવ્યા એમ કહું તો ખોટું નથી.
સાસુ સસરાની સેવામાં દોસ્તોની જતી કરેલી સંગત,
ઘરની સંભાળ ને માર્કેટ ની જંજાળ માં ખોવાઈ ગયેલી શોખોની રંગત,
પતિના સમય સાચવવામાં લય ચુકી ગયેલી સંગીત સાધના,
રસોઈ ની urgency ના કારણે postpone થયેલી ધર્મ આરાધના,
બાળકોને વહેલા સુવાડવા કૅન્સલ કરાવેલા નાટકના પાસિસ,
વહેલી સવાર ની સ્કૂલ પાછળ મિસ થયેલા યોગા કલાસીસ.
ઉધાર રાખેલા કંઈ કેટલાયે સપનાં ને જમા કરી રાખ્યા છે.
અધૂરા રહેલા અરમાનો પર આશાના તીર તાક્યા છે.
આ બધું જ પુત્રવધૂ ની મદદથી પુરું થશે એમ ધાર્યું'તું.
ભલે મેં કોઈ ઉચ્ચ ડિગ્રી પામી નથી.
પણ હું કંઈ સ્ત્રી ની કારકિર્દી વિરોધી નથી.
હું પણ ઈચ્છું છું મારી પુત્રવધૂને દીકરી માનીને પ્રેમ આપવા,
એક મા બનીને આ આખું ઘર એને  સોંપવા.
પણ પુત્રવધૂ તો ખુદ એના શોખ પૂરા કરવામાં મારો જ ત્યાગ માંગે છે,
દીકરો પત્નીનો સાથ દઈ ઘરકામમાં મારો બરાબરનો ભાગ માંગે છે.
મારા અધુરા અરમાનો નો સાર,
ઘસાતા જતા ઘૂંટણ નો ભાર,
મેનોપોઝ ના મૂડ સ્વિંગ્સ નો માર,
કોઈ સમજવા નથી તૈયાર.
20-25 લોકોને રમત વાત માં જમાડી શકતી હું,
હવે 2-4 મહેમાનો જોઈને પણ ટેન્શન માં આવી જાઉં છું.
ઉમર વધતાં શરીર અને મગજ બંને પરનો આત્મવિશ્વાસ ગુમાવતી જાઉં છું.
પણ મારી જરૂરિયાત ને સમજવા વાળું કોણ?
શું હું આખો દિવસ કામ કરતી રહું તો જ આદર્શ સાસુ બની શકું?
શું હું દીકરાના મોંઢે ચડાવેલા બાળકોને કંઈ જ બોલ્યા વિના આખો દિવસ સાચવી લઉં તો જ આદર્શ સાસુ બનું?
શું હું મારા બધા timings વહુના time પ્રમાણે સેટ કરું તો જ આદર્શ સાસુ કહેવાઉં?
શું હું મારી પુત્રવધૂને સાચા દિલથી પ્રેમ કરું છું, એની કાળજી લઉં છું એ પૂરતું નથી?
બાજુવાળા પાર્વતીબેન ની પુત્રવધૂ ફરિયાદ કરતી હતી કે
"મારા સાસુ આખો દિવસ કામ કર્યા કરે છે,
નથી નવરા થતા, નથી અમને થવા દેતા,આખો દિવસ ઘરમાં સેટેલાઇટ ની જેમ ફર્યા કરે છે.
થોડીક તો અમને પણ space જોઈએ ને?
એકલા રહેવાની ક્યારેક તો ટેસ જોઈએ ને?"
હવે આમાં શું સમજવું?
કામ કરવું પણ પુત્રવધૂ ની ઈચ્છા પ્રમાણે, ઘરમાં રહેવું કે ન રહેવું એ પણ એની મરજી પ્રમાણે,
કોઈક કહે આના કરતાં દીકરા- વહુને અલગ રસોડું કરાવી દેવું, પછી આપણે આપણી મરજી પ્રમાણે રહીએ ને એ એની મરજી પ્રમાણે.
પણ રસોડું કરાવવું ય સહેલું થોડું છે!
દીકરા વહુ ના નવા નવા પગારમાં એનું પૂરું ન પડે તો?
ઓહ ! આ દીકરાનો મોહ!
આટલા પ્રયત્નો પછી પણ નથી હું આદર્શ પુત્રવધૂ, પત્ની કે માતા નું પ્રમાણપત્ર પામી શકી કે નથી પામી શકી આદર્શ પતિ કે પુત્ર!
તો પછી આદર્શ સાસુ બનવાનું આટલું વળગણ શા માટે?
આદર્શ બનવાની હોડમાં શું આપણે સંબંધો ને હોડમાં નથી મૂકી દેતા?
મારુ જીવન જ મારી પસંદનું નહીં હોય તો આદર્શ નહીં હોય.
હું મને ખુશ નહીં કરી શકું તો હું કોઈને પણ ખુશ નહીં રાખી શકું.
એટલે જ હવે હું જીવીશ મારા માટે,કોઈ શું માને છે, સમજે છે એની પરવા કર્યા વિના.
નથી બનવું આદર્શ પત્ની, માતા કે સાસુ,
નથી જોઈતા આદર્શ પતિ, પુત્ર કે પુત્રવધૂ.
જોઈએ બસ એકબીજાની બધી જ શક્તિઓ અને નબળાઈઓ ને સહર્ષ સ્વીકારી લેતું આદર્શ કુટુંબ.
ને એથીયે વિશેષ,
મારાથી જ ખુશ એવી મારી જાત,
મને જોઈએ આદર્શ "હું" !